ગાંધીનગર: તાજેતરમાં ઉપરાઉપરી થયેલા શાળા બસોના ગંભીર અકસ્માતના પગલે રાજ્ય સરકારે શાળા અને કોલેજના પ્રવાસને લઈને મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠક અનેક મહત્વના નિર્ણય લેવાયા. સરકાર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ હવે રાત્રિના સમયમાં બસ મુસાફરી કરી શકાશે નહીં. આ ઉપરાંત રહેઠાણ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે.
સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠક પૂરી થયા બાદ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આ અંગે પત્રકારોને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આપણે જાણીએ છીએ તેમ છેલ્લા કેટલાક સમયની અંદર બાળકોને, વિદ્યાર્થીઓને વિવિધ જગ્યાએ પ્રવાસે લઈ જતી વખતે બસોના અકસ્માત થયા છે. જેમાં બાળકો ઈજાગ્રસ્ત થયા છે અને અવસાન પણ થયા છે. સરકાર તરફથી બાળકો માટે સહાય પણ જાહેર કરવામાં આવી છે. બધા બાળકોની સારામાં સારી રીતે સારવાર અત્યારે આપવામાં આવી રહી છે.
આ મામલે સુરત મનપા રાજ્યમાં સૌથી અગ્રેસર, શરૂ કરશે પાંચમો પ્રોજેક્ટ
નીતિન પટેલે વધુમાં કહ્યું કે ભવિષ્યમાં આવા બનાવો ન બને એ માટે સરકારે આજે નિર્ણય કર્યો છે કે શાળાના બાળકોને પ્રવાસે લઈ જતી બસો રાત્રિના 11થી સવારના 6 વાગ્યા સુધી પ્રવાસ કરી શકશે નહીં. એટલે કે જે બસો રાત્રે પ્રવાસ કરતી હતી અને વિવિધ જગ્યાએ અકસ્માતનો ભોગ બની એવું ભવિષ્યમાં ન થાય એટલે હવેથી રાત્રે 11થી 6 વાગ્યા સુધી શાળાના બાળકોને પ્રવાસે લઈ જતી બસો પ્રવાસ કરી શકશે નહીં. બાળકો માટે જે તે જગ્યાએ રહેઠાણની વ્યવસ્થા કરવાની રહેશે.
આ ઉપરાંત અન્ય એક જાહેરાત અંગે જણાવતા તેમણે કહ્યું કે રાજ્ય સરકાર તરફથી 96 તાલુકામાં 22 લાખ ખેડૂતોને 2280 કરોડની સહાય વહેલી તકે ચૂકવવામાં આવશે. ખેડૂતોએ જે માંગણી કરી હતી તેમાં વધારો કરવામાં આવશે. ફોર્મ ભરવાની મુદ્દત 14 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. 22 લાખ જેટલા ખેડૂતોને સહાય મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે